DA

Digital Ahirat

સરકારની માલિકીની પાવરગ્રીડ કંપની આહીર સમાજના ખેડૂતોના  2 કરોડ 39 લાખ રૂપિયા ચાઉ કરી ગઈ.

સરકારની માલિકીની પાવરગ્રીડ કંપની આહીર સમાજના ખેડૂતોના 2 કરોડ 39 લાખ રૂપિયા ચાઉ કરી ગઈ.

ખેડૂતોના ખેતરમાં થયેલા નુકશાનને બદલે મીટર દીઠ 210 રૂપિયા આપવાનું ખેડૂતોને લોલીપોપ આપી પોલીસની મીઠી નજર હેઠળ ખેડૂતોને ડરાવી ધમકાવી તાત્કાલિક ધોરણે વિજપોલ ઉભો કર્યો, થાંભલો ઉભો થઈ ગયા પછી 'તું કોણ ને હું કોણ' જેવો તાલ.

બીપરજોય વાવાઝોડા દરમિયાન લાખાપર ગામની સીમમાં પાવરગ્રીડ કંપનીનો મોટો વિજપોલ (ટાવર) પડી ગયો. પાવરગ્રીડ કંપનીની લાઈન બંધ થઈ ગઈ અને દરરોજ મોટું નુકસાન થવા લાગ્યું. તાત્કાલિક વીજ ટાવર ઉભો કરવા ખેડૂતોની રજા વિના કંપનીના માણસો અંગ્રેજોની જેમ ખેડૂતોના ખેતરોમાં ઘુસવા લાગ્યા, ખેડૂતોએ વિરોધ કરતા પોલીસ બોલાવી ખેડૂતોને જેલમાં નાખી દેવાની ધમકીઓ દેવા લાગ્યા, યેનકેન પ્રકારે ખેડૂતોને ડરાવી ધમકાવી વપરાયેલી જમીનમાં ચોરસ મીટર દીઠ 210 રૂપિયાનું ખેડૂતોને વળતર આપવાનું નક્કી કર્યું.

કંપનીનો કામ પુરજોશમાં ચાલુ થઈ ગયું ભારે થી અતિભારે વાહનો ખેતરોમાં ઘુસાડી ખેતરો ખેદાન-મેદાન કરી નાખ્યા અને કોઈ ખેડૂત વિરોધ કરે તો પીપુડી વગાડતી પોલીસ પહોચી આવે.

 

ખેડૂતો કંપનીનું કામ ચાલુ હોવાથી ચોમાસુ પાક ન લઈ શક્યા ઉપરાંત ખેતરોની જે પત્તર ઠોકાઈ છે એ હાલત સુધારવા દરેક ખેડૂતને 50 હજાર થી 1 લાખ જેટલો ખર્ચ આવે એમ છે. પાવરગ્રીડ કંપનીએ હાલ 20 ખેડૂતોના કુલ ચુકાવવાના થતા 2 કરોડ 39 લાખ માંથી એકપણ રૂપિયો ચુકવ્યો નથી. કંપનીએ હાથ અધ્ધર કરી લીધા જેવી પરિસ્થિતિ સર્જી હોવાથી ખેડૂતો એક સરકારી ઓફિસથી બીજી ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે.

એક તરફ સરકાર સંવેદનશીલતાના રાગ આલાપે છે અને બીજી તરફ સરકારી કંપનીઓ જ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી આત્મહત્યા કરવા મજબૂર કરે છે. કંપનીના સાહેબોના એક ફોન પર દોડી આવતા અને ખેડૂતોને ધમકાવતા પોલીસ અધિકારીઓ એવી જ રીતે પાવરગ્રીડ કંપનીના અધિકારીઓને ધમકાવી ખેડૂતોને ઉઘરાણું કરી આપશે...?

Comments

Comments load after the page becomes interactive.